રૂ. ૧૩.૫૦ લાખની ગ્રાન્ટ: ધારાસભ્ય રમણલાલ વોરાએ ગામના વિકાસ કાર્યો માટે ગ્રાન્ટની જાહેરાત કરી
૯૦ ટીમો, ૧૪૦૦ ખેલાડી: ૧૦૦૦૦ થી વધુ રમતપ્રેમીઓની હાજરીમાં ટુર્નામેન્ટ સંપન્ન
ઇડર તાલુકાના ભજપુરા ગામ ખાતે ‘વાયુ નેત્ર યુથ એન્ડ ફ્યુચર ફાઉન્ડેશન’ દ્વારા આયોજિત ‘વાઇબ્રન્ટ યુથ ક્રિકેટ ટુર્નામેન્ટ-2026’નો રવિવારે રાત્રે ફાઇનલ મેચ સાથે ભવ્ય સમાપન થયુ હતુ. આ ક્રિકેટ મહાકુંભ ગ્રામ્ય વિસ્તારોમાં રમતગમત પ્રત્યે વધતા ઉત્સાહ અને યુવા શક્તિના સશક્તિકરણનું પ્રતિક બન્યો હતો.
ભવ્ય સાંસ્કૃતિક શરૂઆત અને ફાઇનલ મુકાબલો
ટુર્નામેન્ટની ફાઇનલ મેચ મેત્રાલ અને ચોટાસણ ગામની ટીમો વચ્ચે રમાઈ હતી. ફાઇનલ મુકાબલો નિહાળવા માટે આસપાસના ગામોમાંથી 10000 થી વધુ રમતપ્રેમીઓ ઉમટી પડ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ભજપુરા ગામની નાની દીકરીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં કુલ ૯૦ ટીમોના અંદાજે ૧૪૦૦થી વધુ ખેલાડીઓએ ભાગ લઈ પોતાની ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું.
મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ
આ પ્રસંગે સાબરકાંઠાના એસ.પી. ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ઇડર ડીવાયએસપી સ્મિત ગોહિલ, સોહમપુરી મહારાજ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વડાલી મામલતદાર હર્ષભાઈ, વડાલી તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પટેલ, સાબરકાંઠા ડેરીના વાઇસ ચેરમેન ઋતુરાજભાઈ પટેલ, ઇડર-વડાલી ધારાસભ્ય રમણલાલ વોરા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કાંતિભાઈ પટેલ અને ઇડર કોલેજ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સહિતના અનેક રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
“ડિજિટલ યુગમાં રમતગમત જરૂરી”
કાર્યક્રમમાં પ્રવચન આપતા મહાનુભાવોએ જણાવ્યું હતું કે, આજના ડિજિટલ યુગમાં યુવાનો મોબાઇલ અને સોશિયલ મીડિયામાં વધુ સમય વિતાવી રહ્યા છે, જેના કારણે તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે. આવા રમતગમતના આયોજનો યુવાનોને મેદાન તરફ આકર્ષી તેમની પ્રતિભાને નીખારવાની સાથે નશા જેવી બુરાઈઓથી દૂર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આનાથી યુવાનોમાં નવી ઊર્જા, આત્મવિશ્વાસ અને સ્પર્ધાત્મક ભાવનાનો વિકાસ થાય છે.
ધારાસભ્ય દ્વારા રૂ. ૧૩.૫૦ લાખની ગ્રાન્ટની જાહેરાત
આ સુવર્ણ અવસરે ઇડર-વડાલીના ધારાસભ્ય રમણલાલ વોરાએ ભજપુરા ગામના વિકાસ કાર્યો માટે રૂ. ૧૩.૫૦ લાખની ગ્રાન્ટ ફાળવવાની મોટી જાહેરાત કરી હતી. ધારાસભ્યની આ જાહેરાતને ઉપસ્થિત તમામ ગ્રામજનોએ હર્ષનાદ સાથે વધાવી લીધી હતી.સમગ્ર ટુર્નામેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થતાં આયોજકો અને ભજપુરા ગ્રામજનોએ સહયોગ આપનાર તમામ મહેમાનો, ખેલાડીઓ અને રમતપ્રેમીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

