“દીવા તળે અંધારું” — આ કહેવત અત્યારે ઈડર નગરપાલિકાની બેદરકારી પર બિલકુલ સચોટ બેસી રહી છે. સ્થાનીક તંત્ર આખા શહેરની સફાઈના દાવા કરે છે, પરંતુ ખુદ નગરપાલિકા કચેરીની સામે અને ત્યાંથી માત્ર ૧૦૦ મીટરના અંતરે આવેલી મુખ્ય ગટરમાં ગંદકી અને કચરાનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. તંત્રની આ ઘોર બેદરકારીને કારણે આસપાસના રહીશો અને વહેપારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
મૃત પશુઓના અવશેષો અને લોહી વહી રહ્યું છે ગટરમાં!
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ઈડર શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવતા ગંદા પાણીની સાથે આ મુખ્ય ગટરમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો જમા થઈ ગયો છે. એટલું જ નહીં, આ ખુલ્લી ગટરમાં અત્યારે મૃત પશુઓના અવશેષો અને લોહી વહી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ ભયાનક ગંદકીના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે, જેનાથી સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓનું જીવવું મુશ્કેલ બન્યું છે.
ચોમાસા માથે હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં
નજીકના દિવસોમાં જ વરસાદનું આગમન થવાનું છે, ત્યારે સ્થાનિકોની ચિંતા બેવડાઈ ગઈ છે. જો આ કચરો વહેલી તકે સાફ કરવામાં નહીં આવે, તો ચોમાસાના વરસાદમાં આ ખુલ્લી ગટર ઉભરાશે અને આ તમામ ગંદકી તથા દૂષિત પાણી મુખ્ય રોડ પર ફરી વળશે.
જીવનું જોખમ: રાત્રિના સમયે આ જાહેર રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ માટે આ ખુલ્લી ગટર એક મોટો કાળ બની શકે તેમ છે. અંધારામાં જો કોઈ વાહનચાલક આ ગટરમાં ખાબકે તો મોટી જાનહાનિ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા તંત્રને અવારનવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, તંત્રના પેટનું પાણી હલતું નથી અને આજ દિન સુધી સફાઈ માટે કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
મોટો સવાલ: સમગ્ર ઈડર શહેરની શું દશા હશે?
જ્યાં ખુદ નગરપાલિકા કચેરીની બિલકુલ સામે જ આટલી ભયાનક ગંદકીનું સામ્રાજ્ય હોય અને વારંવારની રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોય, તો ઈડર શહેરના અન્ય આંતરિક વિસ્તારોની શું દશા હશે? તે એક મોટો સવાલ છે. સ્થાનિકો માગ કરી રહ્યા છે કે ચોમાસું શરૂ થાય તે પહેલાં આ ગટરની યોગ્ય સફાઈ કરવામાં આવે અને રોગચાળો ફેલાતો અટકાવવામાં આવે.
શું કહેછે ચીફ ઓફિસર જૈમીન ચૌધરી ?
“નગરપાલિકામાં ક્યારેક ક્યારેક સફાઈના પ્રશ્નો આવતા હોય છે, જે નગરપાલિકાની સામેની જે નિકો (ગટર) છે એ સફાઈના પ્રશ્નો આજકાલમાં આવ્યા હતા, જેના માટે નગરપાલિકા વતી હું કહેવા માંગુ છું કે ઈડર નગરપાલિકા એની રોજે-રોજ સફાઈ કરે છે. વધુમાં ચોમાસું આવવાની તૈયારી છે, જે અંગે આપણે ઈડર નગરપાલિકાએ પ્રી-મોન્સૂનની તમામ મોટાભાગની કામગીરી કરી દીધી છે. એક-બે જગ્યાએ થોડું કામ બાકી છે સત્વરે પૂરું થઈ જશે ચોમાસા પહેલાં.
જાગૃત યુવાન રાહુલ બૌદ્ધ શું કહે છે?
“ઈડર નગરપાલિકાના ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરી હોવા છતાં, આજદિન સુધી આ ગટરનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી અને બિલકુલ નગરપાલિકાની સામે જ, ૧૦૦ મીટરના અંદર જ આ ગટર આવેલી છે. વારંવાર ચીફ ઓફિસરને વચ્ચે પણ તગારું લઈને અમે રજૂઆત કરી હતી, પણ ચીફ ઓફિસરે ખાલી આશ્વાસન જ આપ્યું હતુ તે વખતે પણ. અને હાલ પણ આ ગટરનું કોઈ પણ પ્રકારનું સફાઈ કરવામાં આવતી નથી.અને દરવાજા બહારના એરિયાની અંદર કોઈ પણ કામ પડે, તો નગરપાલિકાના અધિકારીઓ ચાર-ચાર માણસો મોકલી સફાઈ કરાવે છે. પણ આ એરિયાની અંદર હજુ સુધી કોઈ પણ સફાઈ કરાવતા નથી વારંવાર રજૂઆત કરવા છતાં.આગામી સમયમાં ચોમાસું પણ આવી રહ્યું છે અને નગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂનની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગઢનું પાણી આ ગટરમાં આવે છે અને આ ગટર ઉભરાવાના કારણે સમગ્ર રોડની ઉપર પાણી ફરી વળે છે અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.અને પ્રી-મોન્સૂનની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને આ જે ખુલ્લી ગટર છે, એના અંદર પણ બાળકોને પડી જવાનો પણ ભય રહ્યો છે અને આ લગભગ ત્રણ-ચાર વર્ષથી આ જ હાલતમાં છે.”
