ઇડર શહેરમાં છેલ્લા ઘણા સમયથી પીવાના અને વપરાશના પાણીની ગંભીર સમસ્યાને લઈ સ્થાનિક રહીશોનો રોષ ફાટી નીકળ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા આજે સ્થાનિકોએ ઢોલ-નગારા સાથે નગરપાલિકા કચેરી ખાતે પહોંચી એક અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો.
શહેરમાં નિયમિત અને ચોખ્ખું પાણી ન મળવાને કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રહીશોનો આક્ષેપ છે કે શુદ્ધ પાણી માટે અગાઉ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર તરફથી પરિણામ શૂન્ય મળ્યું છે. આ આક્રોશ વચ્ચે મોટી સંખ્યામાં પાલિકા કચેરીએ ઉમટી પડેલા લોકોએ ‘ચીફ ઓફિસર મુર્દાબાદ’ના નારા લગાવી સમગ્ર પરિસર ગજવી મૂક્યું હતું.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકો પોતાની જીદ પર મક્કમ રહ્યા હતા કે જ્યાં સુધી જવાબદાર મુખ્ય અધિકારી ચીફ ઓફિસર પોતે રૂબરૂ આવીને આવેદનપત્ર નહીં સ્વીકારે, ત્યાં સુધી તેઓ આવેદન પત્ર પાઠવશે નહીં.
નગરપાલિકામાં ચાલી રહેલા ભારે હોબાળા અને સૂત્રોચ્ચારની જાણ થતાં જ પાલિકા પ્રમુખ અનસૂયાબેન પટેલ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે આક્રોશિત રહીશોની મુલાકાત લઈ તેમની તમામ રજૂઆતોને શાંતિપૂર્વક સાંભળી હતી. ત્યારબાદ પ્રમુખે સંબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરી, દૂષિત પાણીની સમસ્યાનું મૂળ કારણ શોધીને ખૂબ જ ટૂંક સમયમાં તેનો કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.
બીજી તરફ, સ્થાનિક રહીશોએ પાલિકા તંત્રને સ્પષ્ટ અને આખરી ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં વહેલી તકે શુદ્ધ અને પૂરતું પાણી પૂરું પાડવામાં નહીં આવે, તો સ્થાનિકો દ્વારા આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

