ગાંધીનગરની ‘યશ બેંક’ની ગેરંટી સાચી કે બોગસ? બ્લેકલિસ્ટ એજન્સીને પાલિકાનું ટેન્ડર સોંપવા સામે સવાલો
ચીફ ઓફિસર અને વિપક્ષી નેતા ઇમરાન બાદશાહના દાવામાં વિરોધાભાસ: હિંમતનગર પાલિકાનું મેનપાવર ટેન્ડર શંકાના ઘેરામાં
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં DRDA (જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી) શાખા દ્વારા બ્લેકલિસ્ટ કરાયેલી ‘ઉમા એન્ટરપ્રાઇઝ’ એજન્સીને હિંમતનગર નગરપાલિકામાં સિક્યુરિટી અને મેનપાવરનો મહત્વનો કોન્ટ્રાક્ટ સોંપાતા મોટો વિવાદ ઊભો થયો છે. 1 ઓગસ્ટથી પાલિકામાં આ એજન્સીને ટેન્ડર સોંપવામાં આવ્યું છે, જ્યારે અગાઉ પણ આ એજન્સી નગરપાલિકામાં સતત ત્રણ વર્ષ સુધી કામ કરી ચૂકી છે.
સિક્યુરિટી ડિપોઝિટ અને યશ બેંકની ગેરંટી સામે શંકા: ઉમા એન્ટરપ્રાઇઝ દ્વારા રજૂ કરવામાં આવેલા સિક્યુરિટી ડિપોઝિટના દસ્તાવેજો સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે. એજન્સીએ નગરપાલિકામાં સિક્યુરિટી ગેરંટી તરીકે ગાંધીનગરની ‘યશ બેંક’ દર્શાવી છે. પરંતુ આ ગેરંટી સાચી છે કે બોગસ, તેને લઈને શંકા કુશંકાઓ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે DRDA શાખામાં પણ બેંકે સિક્યુરિટી ડિપોઝિટ ઇશ્યૂ ન કરી હોવાની ફરિયાદો સામે આવી ચૂકી છે.
ચીફ ઓફિસર અને વિપક્ષના આંકડામાં મોટો વિરોધાભાસ: નગરપાલિકામાં કર્મચારીઓની સંખ્યાને લઈને પણ વિરોધાભાસી ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે:
- ટેન્ડર શરતો મુજબ: એજન્સીને ૨૫૦થી વધુ મેનપાવરના કર્મચારીઓ પૂરું પાડવાનું ટેન્ડર મંજૂર થયેલું છે.
- ચીફ ઓફિસરનો દાવો: નગરપાલિકાના ચીફ ઓફિસરના રેકોર્ડ મુજબ એજન્સીને માત્ર ૧૫૦ કર્મચારીઓ પૂરતા જ ઓર્ડર આપવામાં આવ્યો છે.
- વિપક્ષનો આક્ષેપ: વિપક્ષી નેતાના રેકોર્ડ અને દાવ મુજબ એજન્સીને ૨૫૦ જેટલા કર્મચારીઓનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
ચીફ ઓફિસર અને વિપક્ષી નેતાના નિવેદનોમાં જોવા મળતા આ સીધા વિરોધાભાસને કારણે સમગ્ર પ્રક્રિયા શંકાના ઘેરામાં આવી ગઈ છે. DRDAમાં થયેલી કાર્યવાહી અને હવે પાલિકામાં ઊભા થયેલા આ વિવાદોને કારણે સાબરકાંઠામાં ઉમા એન્ટરપ્રાઇઝની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
