અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત એક ડેરીમાંથી લેવાયેલા ઘીના નમૂનામાં ભેળસેળ સાબિત થતાં નિવાસી અધિક કલેક્ટર અને એડ્ઝ્યુડિકેટિંગ ઓફિસર દ્વારા પેઢીના માલિક સહિત બે વ્યક્તિઓને કુલ રૂ. ૩૦,૦૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન)ના ફૂડ સેફ્ટી ઑફિસર દ્વારા ધનસુરા રોડ પર આવેલી મે. શીફા ડેરી ખાતેથી શંકાના આધારે ખાદ્યચીજ ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ નમૂનાને પૃથ્થકરણ અર્થે વડોદરા સ્થિત ફૂડ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યો હતો. લેબોરેટરી તપાસના અહેવાલમાં આ ઘીનો નમૂનો સરકારના નિર્ધારિત ધોરણો મુજબ ન હોવાનું એટલે કે ‘સબ-સ્ટાન્ડર્ડ’ (હલકી ગુણવત્તાવાળો/ભેળસેળયુક્ત) હોવાનું જાહેર થયું હતું.
ઘીનો નમૂનો સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતાં ફૂડ સેફ્ટી ઓફિસરે નમૂનો આપનાર ફૂડ બિઝનેસ ઓપરેટર (FBO) અને પેઢીના માલિક સામે કાયદેસરનો કેસ દાખલ કર્યો હતો.
અરવલ્લી જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર અને એડ્ઝ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ગુન્હો સાબિત થતાં કોર્ટે: ૧. નમૂનો આપનાર મહમદ ઝાવેદ યુસુફભાઇ પટેલ (મે. શીફા ડેરી, ધનસુરા રોડ, મોડાસા) ૨. પેઢીના માલિક મહમદ જૈદ મહમદ યુનુસભાઇ પટેલ (મે. શીફા ડેરી, ધનસુરા રોડ, મોડાસા)
બંનેને કસૂરવાર ઠેરવી ખાદ્ય સુરક્ષા અને ધોરણોના ભંગ બદલ સંયુક્ત રીતે રૂ. ૩૦,૦૦૦/- નો દંડ ભરવાનો આદેશ કર્યો છે. તંત્રની આ કડક કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
