road sign
આગામી ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને અંબાજી જતા પદયાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સાબરકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત હિંમતનગર-અંબાજી માર્ગ પર વાહનોની મહત્તમ ગતિમર્યાદા ૬૦ કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે.
ભાદરવી પૂનમના પાવન અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી માતાના દર્શનાર્થે જતા હોય છે. માર્ગો પર પદયાત્રીઓની ભારે ભીડને કારણે કોઈ અકસ્માત ન સર્જાય અને યાત્રિકોની સલામતી જળવાઈ રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ આ વિશેષ આદેશ જારી કર્યો છે.
આ નિયમ તારીખ ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ (મધ્યરાત્રિ ૦૦:૦૦ કલાક) થી તારીખ ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ (રાત્રે ૨૪:૦૦ કલાક) સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન હિંમતનગરના મહેતાપુરાથી લઈને સાબરકાંઠા જિલ્લાની હદમાં આવતા ખેરોજ પુલ સુધીના વિસ્તારમાંથી પસાર થતા તમામ પ્રકારના વાહનોએ ૫૦ કિ.મી. પ્રતિ કલાકની ગતિમર્યાદાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
જોકે, આ નિયંત્રણોમાંથી સરકારી વાહનો, સરકારી કામગીરીમાં રોકાયેલા વાહનો તેમજ તાત્કાલિક સેવાઓ પૂરી પાડતા વાહનો જેવા કે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ (અગ્નિશામક વાહન) ને મુક્તિ આપવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ વાહન ચાલક આ જાહેરનામાનો ભંગ કરશે, તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રશાસને તમામ વાહનચાલકોને પદયાત્રીઓની સુરક્ષા ખાતર સહકાર આપવા અપીલ કરી છે.
