- જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના તમામ ૧,૯૨૩ આંગણવાડી કેન્દ્રોમાં યોજના લાગુ.
- ૬ માસથી ૬ વર્ષ સુધીના બાળકોને મળશે સીધો લાભ.
- અગાઉ માત્ર આદિજાતિ વિસ્તારો પૂરતી સીમિત યોજના હવે બિનઆદિજાતિ વિસ્તારોમાં પણ અમલી.
- ‘પોષણ માસ’ અંતર્ગત આંગણવાડી કાર્યકરો દ્વારા વાલીઓને સંતુલિત આહાર અંગે માર્ગદર્શન.
સાબરકાંઠા: કુપોષણ મુક્ત ગુજરાતના નિર્માણના રાજ્ય સરકારના સંકલ્પને સાકાર કરવા સાબરકાંઠા જિલ્લામાં એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ માસ અંતર્ગત જિલ્લાના તમામ ૧,૯૨૩ આંગણવાડી કેન્દ્રોમાં “દૂધ સંજીવની યોજના”નો વ્યાપ વધારવામાં આવ્યો છે, જેનાથી છેવાડાના બાળકો સુધી યોગ્ય પોષણ પહોંચાડવાનો માર્ગ મોકળો થયો છે.
બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે અને તેમનો શારીરિક તેમજ માનસિક વિકાસ યોગ્ય રીતે થાય તે હેતુથી વર્ષ ૨૦૧૮માં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ યોજના ગુજરાતના આદિજાતિ વિસ્તારો અને વિકાસશીલ તાલુકાઓ પૂરતી જ સીમિત હતી. જોકે, આ યોજનાની સફળતા અને બાળ સ્વાસ્થ્યમાં તેની અગત્યતાને ધ્યાનમાં રાખીને, હવે તેને આદિજાતિ બ્લોકની સાથે સાથે બિનઆદિજાતિ વિસ્તારોના તમામ બ્લોકમાં પણ વિસ્તારવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લામાં આ નિર્ણયના પરિણામે ગ્રામ્ય અને શહેરી એમ બંને વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રો સાથે જોડાયેલા ૬ માસથી ૬ વર્ષ સુધીના હજારો બાળકોને હવે આ યોજનાનો સીધો લાભ મળી રહ્યો છે.
હાલમાં ચાલી રહેલા ‘પોષણ માસ’ની ઉજવણી દરમિયાન દૂધ સંજીવની યોજના કુપોષણ સામેની લડાઈને વધુ મજબૂત બનાવી રહી છે. માત્ર બાળકોને દૂધ આપવા પૂરતું જ નહીં, પરંતુ આંગણવાડી કાર્યકરો દ્વારા વાલીઓનો સંપર્ક કરી તેમને બાળકોના સંતુલિત આહાર, યોગ્ય પોષણ અને પાયાના સ્વાસ્થ્ય અંગે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
બાળપણના શરૂઆતના તબક્કામાં મળતું યોગ્ય પોષણ બાળકના આજીવન તંદુરસ્ત વિકાસનો પાયો નાખે છે. દૂધ સંજીવની યોજનાના આ સઘન વ્યાપ થકી સાબરકાંઠા જિલ્લો “સુપોષિત બાળ–સ્વસ્થ સમાજ”ના મંત્રને સાર્થક કરી કુપોષણ મુક્ત ગુજરાતના નિર્માણમાં સક્રિય ભાગીદારી નોંધાવી રહ્યો છે.
