દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાયો હોવાની આશંકા: તમામ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા, આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સર્વે અને પાણીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ.
ઇડર તાલુકાના બડોલી ગામના ચામુંડા નગરમાં એકસાથે ૧૨ જેટલા બાળકોની તબિયત લથડતા સ્થાનિક લોકોમાં ચિંતા પ્રસરી છે. બડોલીના ચામુંડાનગર વિસ્તારમાં રહેતા આ ભૂલકાઓને હિપેટાઈટીસની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. એક સાથે આટલા મોટા પ્રમાણમાં બાળકો બીમાર પડતાં આરોગ્ય વિભાગ તુરંત જ હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે બચાવ અને સારવારની કામગીરી શરૂ કરી હતી.
બાળકોની તબિયત બગડતા ગઈકાલે સાંજે બડોલી ગામમાંથી 3-4 બાળકોમાં હિપેટાઈટીસ (કમળો) ના લક્ષણો દેખાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. રેવાસ PHC અને બડોલી આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન 12 જેટલા શંકાસ્પદ બાળકો મળી આવ્યા હતા. શરૂઆતમાં તમામને રેવાસના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ, વધુ સઘન સારવાર અર્થે બાળકોને તાત્કાલિક ઇડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલમાં મળતી માહિતી મુજબ, ૮ બાળકો ઇડર સિવિલ હોસ્પિટલમાં અને અન્ય ત્રણ બાળકો ખાનગી હોસ્પિટલમાં તબીબી દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.
ઇડર સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બાળકોમાં જોવા મળેલા હિપેટાઈટીસના લક્ષણોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ જરૂરી લેબોરેટરી ટેસ્ટ માટે તેમના સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ તમામ બાળકો સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ સારવાર મેળવી રહ્યા છે.
પ્રાથમિક અનુમાન મુજબ, ચામુંડાનગર વિસ્તારમાં સ્થાનિક કૂવામાંથી આપવામાં આવતા પીવાના પાણીને કારણે આ રોગચાળો ફેલાયો હોવાની શક્યતા છે. દૂષિત પાણીના સેવનથી બાળકો હિપેટાઈટીસનો ભોગ બન્યા હોવાની આશંકા સેવાઈ રહી છે, જેને પગલે તંત્ર દ્વારા પાણીના સ્ત્રોતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, અસરગ્રસ્ત તમામ 12 બાળકો 4 થી 14 વર્ષની વયના છે. આ ઘટનાની ગંભીરતા નોંધતા તાલુકા હેલ્થ ઓફિસર સહિત આરોગ્ય વિભાગની વિવિધ ટીમોએ ગામમાં સઘન સર્વેની કામગીરી હાથ ધરી છે. રોગચાળો અન્ય વિસ્તારોમાં ન ફેલાય તે હેતુથી આરોગ્ય વિભાગ દ્વારા પીવાના પાણીના કૂવા સહિત અન્ય સ્થળોએથી પાણીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જ રોગચાળાનું ચોક્કસ કારણ જાણી શકાશે.

