સાબરકાંઠા જિલ્લાને સંપૂર્ણપણે વ્યસનમુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. “સ્વસ્થ સાબરકાંઠા– વ્યસનમુક્ત સાબરકાંઠા”ના સંકલ્પને સાર્થક કરવા જિલ્લા તમાકુ નિયંત્રણ કક્ષ દ્વારા હિંમતનગર શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં પાનના ગલ્લાઓ તેમજ તમાકુ વેચાણ કેન્દ્રો પર સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીની કડક સૂચના અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ આ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમની કલમ-૬ ના પાલન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને, ૧૮ વર્ષથી ઓછી વયના બાળકોને તમાકુ કે તેની બનાવટોનું વેચાણ ન થાય અને શાળા-કૉલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના પ્રતિબંધિત વિસ્તારોમાં તમાકુનું વેચાણ ન થાય તે અંગે બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી.
આ ચેકિંગ ઝુંબેશ દરમિયાન નિયમોની ઐસીતૈસી કરી તમાકુનું વેચાણ કરતા કુલ ૧૪ સ્થળો પર આરોગ્ય વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને સ્થળ પર જ કુલ રૂ. ૨,૩૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
માત્ર દંડાત્મક કાર્યવાહી જ નહીં, પરંતુ તંત્ર દ્વારા જનજાગૃતિ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અધિકારીઓએ વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને તમાકુના સેવનથી થતા કેન્સર જેવા જીવલેણ રોગો અને આરોગ્યલક્ષી ગંભીર નુકસાન અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જિલ્લા તમાકુ નિયંત્રણ કક્ષ દ્વારા સાબરકાંઠાના તમામ નાગરિકોને તમાકુના વ્યસનથી દૂર રહેવા અને પોતાના પરિવાર તેમજ સમાજમાં તમાકુના દુષ્પરિણામો અંગે વ્યાપક જાગૃતિ ફેલાવવા જાહેર અપીલ કરવામાં આવી છે.
