પોલીસની નિષ્ક્રિયતા વચ્ચે કાળા કાચવાળી કાર બેફામ દોડતા ગ્રામજનોમાં રોષ, વાયરલ વીડિયોએ સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠાવ્યા ગંભીર સવાલો
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક સમયથી એક શંકાસ્પદ કારે દહેશતનો માહોલ ઉભો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડાલી નજીક આવેલા કુબાધરોલ ગામમાં કાળા કાચવાળી એક લક્ઝુરિયસ કાર અવારનવાર પસાર થતી જોવા મળી છે. આ કારની અસામાન્ય અને શંકાસ્પદ ગતિવિધીઓના કારણે સમગ્ર ગામમાં અફરાતફરી મચી જવા પામી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ અજાણી કાર ગામના રસ્તાઓ પર અત્યંત બેફામ અને જોખમી રીતે હંકારવામાં આવે છે. ગ્રામજનો દ્વારા સતર્કતા દાખવીને આ કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ દર વખતે ચાલક કાર ભગાવી જવામાં સફળ રહ્યો હતો. રહેણાંક વિસ્તારમાં બેફામ ડ્રાઇવિંગને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સતાવી રહી છે, જેના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વારંવાર ગામ વચ્ચેથી શંકાસ્પદ રીતે પસાર થતી આ કારને લઈને અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે. કારના કાચ સંપૂર્ણપણે કાળા હોવાના કારણે અંદરની કોઈ ગતિવિધિ જોઈ શકાતી નથી. સ્થાનિકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે આ લક્ઝુરિયસ કારનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા નશીલા પદાર્થોની હેરાફેરી માટે થઈ રહ્યો હોઈ શકે છે! તેમ છતાં, વારંવારની અવરજવર બાદ પણ આ કારની સઘન ચકાસણી કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે.
આ ગંભીર અને જોખમી મામલે જાગૃત નાગરિકો દ્વારા પોલીસ તંત્રને રજૂઆતો કરવામાં આવી છે. જોકે, પોલીસ પ્રશાસન તરફથી કોઈ જ નક્કર કાર્યવાહી ન થતાં પરિણામ શૂન્ય જોવા મળ્યું છે. તાજેતરમાં જ આ બેફામ દોડતી શંકાસ્પદ કારનો એક વીડિયો પણ વાયરલ થયો છે. આ ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી તેમજ ગ્રામ્ય વિસ્તારની સુરક્ષા અને સલામતી વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. સત્વરે આ મામલે તપાસ થાય તેવી લોકમાંગ ઉઠી છે.
