હડાદ નજીક પોતાના જ સેવકને સાપ કરડતાં ભુવો ઝેર ઉતારવામાં નિષ્ફળ રહ્યો, દર્દીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવો પડ્યો
પોશીનાના અંતરિયાળ વિસ્તારમાં દર રવિવારે દરબાર ભરીને ચમત્કારોના મોટા દાવા કરતા ‘શંકર ભુવા’ની વાસ્તવિકતા સામે આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રખ્યાત થયેલા આ ભુવાના કથિત ચમત્કારોનો ભાંડો ફૂટી જતાં, આસપાસના વિસ્તારોમાં ચાલતા અંધશ્રદ્ધાના વેપાર અને ધતિંગ સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હડાદ નજીક પદયાત્રીઓ માટેના એક વિસામા કેમ્પમાં શંકર ભુવાના જ એક ખાસ સેવક ભાવેશ બજાણિયાને ઝેરી સાપ કરડ્યો હતો. આકસ્મિક બનેલી આ ઘટનામાં ભુવાએ પોતાના કથિત ચમત્કારથી ઝેર ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના તમામ દાવાઓ ફ્લોપ સાબિત થયા હતા. ભુવો પોતાના સેવક પરથી સાપનું ઝેર ન ઉતારી શકતાં, અંતે સેવકનો જીવ બચાવવા માટે તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
ઉલ્લેખનીય છે કે, શંકર ભુવો પોશીના પંથકમાં દર રવિવારે મોટો દરબાર ભરે છે. આ દરબારમાં તે એલર્જી, શરીરની ગાંઠ અને પથરી જેવા ગંભીર અને જટિલ રોગો મટાડી દેવાના મોટા દાવા કરે છે. તેની આ વાતોમાં ભોળવાઈને દર સપ્તાહે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ રોગમુક્ત થવાની આશા સાથે ત્યાં ઉમટી પડે છે.
આ ઘટના બાદ લોકોમાં અનેક તર્કવિતર્ક શરૂ થયા છે. જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, જે ભુવો પોતાની નજર સામે પોતાના જ ખાસ સેવકનો જીવ બચાવી ન શક્યો અને મેડિકલ સાયન્સનો સહારો લેવો પડ્યો, તે વ્યક્તિ હજારો શ્રદ્ધાળુઓના ગંભીર રોગો કઈ રીતે મટાડી શકે? સેવકની ઘટનાએ ભુવાના મેડિકલ સાયન્સને પડકારતા તમામ દાવાઓને પોકળ સાબિત કરી દીધા છે.
વિજ્ઞાન અને કાયદાને સીધો પડકાર ફેંકીને લોકોની મજબૂરી અને આસ્થા સાથે રમત રમતા આવા બનાવો સમાજ માટે ચિંતાનો વિષય છે. ખુદ ભુવાનો ચમત્કાર નિષ્ફળ નીવડ્યા બાદ હવે જોવું એ રહ્યું કે, અંધશ્રદ્ધા ફેલાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા આ શંકર ભુવા સામે સ્થાનિક વહીવટીતંત્ર અને કાયદા વિભાગ દ્વારા ક્યારે અને કેટલી કડક કાર્યવાહી કરવામાં આવે છે.
