ચુકાદો મળ્યા બાદ કાર્યવાહી માટે સમયમર્યાદા નક્કી; વિલંબ થાય તો જવાબદારી નિર્ધારિત કરવાની જોગવાઈ
ગુજરાત સરકારે હાઈકોર્ટના ચુકાદાઓના સમયબદ્ધ પાલન માટે રાજ્યના તમામ વહીવટી વિભાગો માટે નવી Standard Operating Procedure (SOP) નક્કી કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ લેવામાં આવેલા આ નિર્ણયનો હેતુ અદાલતી ચુકાદાઓના અમલ અંગેની વહીવટી પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત અને સમયબદ્ધ બનાવવાનો છે.
નવી SOP મુજબ હાઈકોર્ટનો ચુકાદો અથવા આદેશ પ્રાપ્ત થયા બાદ સંબંધિત વિભાગે નિર્ધારિત પ્રક્રિયા મુજબ સમયમર્યાદામાં નિર્ણય લેવાનો રહેશે. ચુકાદો સ્વીકારી તેનો અમલ કરવો કે તેની સામે અપીલ કરવી તે અંગે પણ સમયસર નિર્ણય લેવાની જવાબદારી સંબંધિત સત્તાધિકારીઓની રહેશે.
અદાલતી આદેશોના પાલનમાં વિલંબને કારણે કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ જેવી સ્થિતિ ઊભી ન થાય તે માટે માર્ગદર્શિકામાં જવાબદારીના પાસાને પણ મહત્વ આપવામાં આવ્યું છે. નિર્ધારિત સમયમર્યાદામાં કાર્યવાહી ન થવાના કિસ્સામાં વિલંબ માટે જવાબદાર અધિકારી અથવા વિભાગ અંગે જવાબદારી નક્કી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
ચુકાદા સંબંધિત દસ્તાવેજો અને ફાઇલોની પ્રક્રિયા માટે ‘ઈ-સરકાર’ સિસ્ટમનો ઉપયોગ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ વ્યવસ્થાથી દસ્તાવેજોની હિલચાલ અને નિર્ણય પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત કરવાની સાથે કામગીરીની સમયમર્યાદા પર નજર રાખવામાં મદદ મળશે.
વિશેષ પરિસ્થિતિમાં જો હાઈકોર્ટના આદેશના પાલન માટે વધારાનો સમય જરૂરી બને તો સંબંધિત વિભાગે નિયત સમયમર્યાદામાં જ કોર્ટ સમક્ષ સમયવધારાની અરજી કરવાની રહેશે. આમ, નવી SOP હેઠળ અદાલતી ચુકાદાઓના અમલમાં વિલંબ ટાળવા માટે પ્રક્રિયા, સમયમર્યાદા અને જવાબદારીના માપદંડો વધુ સ્પષ્ટ કરવામાં આવ્યા છે.
