સાબરકાંઠા જિલ્લામાં નશાબંધી અને માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના હેઠળ SOG ની ટીમે નવલપુર ગામની સીમમાં વોચ ગોઠવીને એક આઈસર ગાડીમાંથી લાખોની કિંમતનો માદક પદાર્થ ઝડપી પાડ્યો છે.
ગુપ્ત બાતમી મળી હતી કે સામળાજીથી હિંમતનગર તરફ આવી રહેલી એક આઈસર ગાડીમાં માદક પદાર્થોની હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે નવલપુર પોલીસ ચોકી પાસે વોચ ગોઠવી ગાડીને અટકાવતા તપાસ દરમિયાન તેમાંથી:
- અફીણનો પાવડર (સફેદ ડબ્બીમાં)
- પોષડોડાનો પાવડર (બે કટ્ટા)
- આઈસર ગાડી અને મોબાઈલ ફોન
આમ, કુલ ₹૧૭,૧૮,૩૫૦ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કેસમાં ગાડીના ચાલક સતરામ કાનજી ચૌધરીની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ ગુજરાતમાંથી ખાલી ગાડી લઈ મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના શામગઢ તાલુકાના ગામોમાંથી માદક પદાર્થ ખરીદતા હતા. આ જથ્થો અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી અંબિકા નગર સોસાયટીમાં વેચીને આર્થિક લાભ મેળવવાનો તેમનો ઈરાદો હતો.
DySP પાયલ સોમેશ્વરે જણાવ્યું હતું કે, આ કેસમાં માલ મંગાવનાર પાંચારામ ઉર્ફે પારસ કેસારામ ચૌધરી અને માલ આપનાર હીરાલાલ વિરુદ્ધ પણ ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ એ-ડિવિઝન પી.આઈ. દ્વારા આ મામલે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
