આજના આધુનિક યુગમાં જ્યારે ગ્રામ્ય વિસ્તારના યુવાનો ખેતી છોડીને શહેરો તરફ દોડી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના તલોદના ૪૮ વર્ષિય શ્રી રોનક પટેલે સમાજ સામે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. આઈ.ટી. (IT) પ્રોફેશનમાં ૧૭ વર્ષ સુધી સફળ કારકિર્દી અને કરોડો રૂપિયાનું પેકેજ છોડીને તેમણે માતૃભૂમિની સેવા અને લોકોના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતીનો અનોખો રાહ પસંદ કર્યો છે.
કરોડોના પેકેજથી કાળી માટીની સેવા સુધીની સફર
રોનકભાઈએ MCA (માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ) નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ષ ૨૦૦૧ થી ૨૦૧૭ સુધી હૈદરાબાદ, બેંગ્લોર અને મુંબઈ જેવા દેશના મહાનગરોમાં ઉચ્ચ હોદ્દા પર કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે અમેરિકામાં પણ આઈ.ટી. ક્ષેત્રે પોતાની સેવાઓ આપી હતી અને ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર સાથે પણ આઈ.ટી. પ્રોજેક્ટ્સમાં કાર્યરત રહ્યા હતા.
વર્ષ ૨૦૧૮માં આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધા બાદ તેમનો ખેતી તરફનો અભિગમ બદલાયો. સુભાષ પાલેકરજીના માર્ગદર્શન અને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ચલાવવામાં આવતા પ્રાકૃતિક ખેતીના વિશેષ અભિયાનથી પ્રેરાઈને તેમણે વર્ષ ૨૦૨૦ માં માત્ર ૧૦ વીઘા જમીનથી ખેતીની શરૂઆત કરી હતી. આજે તેમની આ ખેતી વિસ્તરીને ૫૦ વીઘા સુધી પહોંચી ગઈ છે. તેમની આ સજીવ ખેતીને દર વર્ષે સરકાર તરફથી ‘ગોફકા’ (GOPCA) નું પ્રમાણપત્ર પણ મળે છે.
“વર્ષ ૨૦૧૯ના કોરોના કાળે આપણને રોગપ્રતિકારક ક્ષમતા અને શુદ્ધ ખોરાકનું મહત્વ સમજાવી દીધું છે. આજે મને કરોડોના પગાર કરતાં પણ વધુ સંતોષ અને માનસિક શાંતિ માટીની સેવા કરવામાં મળી રહી છે.” – રોનકભાઈ પટેલ
‘એ.ડી.પી. ફાર્મ’: મૂલ્યવર્ધન (Value Addition) દ્વારા સીધું વેચાણ
રોનકભાઈનું માનવું છે કે જો ખેડૂત પોતાની ખેત પેદાશનું મૂલ્યવર્ધન કરીને સીધું ગ્રાહકો સુધી પહોંચાડે, તો તેનો નફો બેગણો થઈ શકે છે. તેમણે પોતાના દાદાની સ્મૃતિમાં ‘એ.ડી.પી. ફાર્મ’ (ADP Farm) નામનું એક મોડેલ ફાર્મ તૈયાર કર્યું છે. આ ફાર્મમાં તેઓ ઘંઉ, મગફળી, બાજરી, તેલીબીયા, અડદ, તલ, ચણા તેમજ વિવિધ શાકભાજીનું વાવેતર કરે છે અને પ્રોસેસિંગ કરીને સીધું ગ્રાહકોને વેચે છે.
દર વર્ષે ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર અને ‘ઓક્સિજન પાર્ક’નું નિર્માણ
રોનકભાઈ માત્ર પાક જ નથી ઉગાડતા, પરંતુ પર્યાવરણના જતનની મોટી જવાબદારી પણ નિભાવી રહ્યા છે. પોતાની વડિલોપાર્જિત જમીન પર દર વર્ષે ૧૦૦૦થી વધુ વૃક્ષો વાવીને તેઓ ‘ઓક્સિજન પાર્ક’નું નિર્માણ કરી રહ્યા છે. ખેતરની જૈવવિવિધતા (Biodiversity) જાળવવા માટે શેઢા પર જામફળ, આંબા, આમળા, સીતાફળ, જાંબુ, લીમડા અને વાંસ જેવા વૃક્ષો ઉગાડ્યા છે, જેના કારણે ખેતરમાં પક્ષીઓનો કલરવ ગુંજતો થયો છે અને એક સુંદર ઈકો-સિસ્ટમ તૈયાર થઈ છે.
ગૌસેવા, રોજગારી અને આધુનિક ટેક્નોલોજીનો સમન્વય
- રોજગારી અને આશરો: તેમના આ ફાર્મમાં આસપાસના ૩૦ થી વધુ લોકોને રોજગારી મળી રહી છે. ખેતરમાં જ વસતા મજૂરો ત્યાં રહીને ગાય-ભેંસ પાળે છે.
- પ્રાકૃતિક ખાતર: સ્થાનિક ભરવાડો પણ પોતાની ગાયો અહીં ચરાવે છે. પશુઓના ગોબર અને ગૌમૂત્ર થકી ખેતરને કુદરતી ખાતર મળી રહે છે, જેનાથી રાસાયણિક મુક્ત ખેતી સરળ બને છે.
- હાઇડ્રોપોનિક્સ ટેક્નોલોજી: પરંપરાગત પ્રાકૃતિક ખેતીની સાથે-સાથે તેઓ પ્રાઇવેટ કંપનીના સહયોગથી ‘હાઇડ્રોપોનિક્સ’ (માટી વિના પાણીમાં ખેતી) જેવી આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિનો પણ ઉપયોગ કરી રહ્યા છે.
“હેલ્થ ઈઝ વેલ્થ” (સ્વાસ્થ્ય એ જ સંપત્તિ) ના મંત્રને સાર્થક કરતા રોનકભાઈ આજે જમીન, પાણી અને માનવ સ્વાસ્થ્યની સુરક્ષા કરી રહ્યા છે. તેમની આ સસ્ટેનેબલ ખેતી પદ્ધતિ જોઈને આસપાસના વિસ્તારના અન્ય ખેડૂતો પણ કેમિકલયુક્ત ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરિત થયા છે.
