સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ખેડાવાળા ગામે UGVCLની બેદરકારીને કારણે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખેતરમાંથી પસાર થતી નીચી નમેલી વીજ લાઈનને કારણે સર્જાયેલા અકસ્માતમાં સગા ભાઈ-બહેનનું વીજ કરંટ લાગવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, ખેડાવાળા ગામના સીમ વિસ્તારમાં એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન ખેતરમાં અત્યંત નીચે ઝૂકી ગયેલા વીજ લાઈનના વાયરો ટ્રેક્ટરના ટ્રેલરને અડી ગયા હતા. ટ્રેલરમાં બેસેલા ભાઈ અને બહેન બંને વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. કરંટ એટલો ભયાનક હતો કે બંનેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું.
સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે ખેતરમાંથી પસાર થતી આ વીજ લાઈનો લાંબા સમયથી નીચે ઝૂકી ગઈ હતી. તેમ છતાં UGVCL દ્વારા કોઈ પણ પ્રકારની મરામત કે રિપેરિંગની તસ્દી લેવામાં આવી નહોતી.
“મેન્ટેનન્સના નામે દર વર્ષે લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં વીજ વાયરોની સ્થિતિ જૈસે-થે છે. જો તંત્રએ સમયસર રિપેરિંગ કર્યું હોત, તો આજે આ બે નિર્દોષ જિંદગીઓ બચી ગઈ હોત.” – રોષે ભરાયેલા ગ્રામજન
બનાવની જાણ થતા જ હિંમતનગર ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. એકસાથે ઘરના બે આધારસ્તંભ સમાન ભાઈ-બહેનના મોતથી પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે.
અત્યારે તો આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ સવાલ એ ઉભો થાય છે કે શું તંત્ર આ નિર્દોષોના મોતની જવાબદારી સ્વીકારશે ખરું?
