ઈડર: ગુજરાતભરમાં ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે વિશાળ સંખ્યામાં સાધુ-સંતો, ગૌ પ્રેમીઓ અને વિવિધ સમાજના લોકો એકઠા થયા હતા.
અભિયાનના અગ્રણી અરવિંદ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ કોઈ રાજકીય કે જ્ઞાતિ-સંપ્રદાયનું આંદોલન નથી, પરંતુ માત્ર ગૌ માતાના રક્ષણ અને સન્માન માટેનું અભિયાન છે. છેલ્લા આઠ મહિનાથી સાધુ-સંતો આ માટે સતત પ્રયત્નશીલ છે. ઈડર તાલુકામાં જનજાગૃતિ દ્વારા આશરે ૧૦,૦૦૦ જેટલા હસ્તાક્ષરો એકત્ર કરવામાં આવ્યા હતા. આ હસ્તાક્ષર પત્રો સાથેનું પ્રાર્થના પત્ર આજે પ્રાંત અધિકારીને સુપરત કરવામાં આવ્યું છે.
ગૌ ભક્તોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી ૨૭ જુલાઈ સુધીમાં સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ નહીં મળે, તો જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. જ્યાં સુધી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
