ઇડર, ૨૬ મે ૨૦૨૬: સાબરકાંઠા જિલ્લાની ઇડર પોલીસ ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન રિસોર્સની મદદથી છેલ્લા સાત મહિનાથી વણઉકેલાયેલ (અનડીટેક્ટ) મર્ડર કેસનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસે ઝીંઝવા ગામે બાવજીની હત્યા કરનાર મુખ્ય આરોપી સહિત આ ગુનાહિત કાવતરામાં સામેલ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, ઝીંઝવા ખાતે આવેલ મહાકાળી મંદિરમાં આશરે ₹૨૦ થી ૨૫ લાખના દાગીના અને ₹૧૦ લાખ જેટલી રોકડ રકમ હોવાની બાતમી રોહિત જુજારજી વણઝારાએ અન્ય સાથીદારોને આપી હતી. આ માહિતીના આધારે હિમેષ ઉર્ફે માર્ટીન અસારી, રોહિત વણઝારા, અંકુર પાંડવ, રવિ ઉર્ફે જાની વાઘેલા અને જીતેન્દ્ર ઉર્ફે જેકી અસોડાએ ભેગા મળીને મંદિરમાં ચોરી કરવાનું ગુનાહિત કાવતરું ઘડ્યું હતું.
ગઈ તા. ૨૭/૧૦/૨૦૨૫ની રાત્રે આ ટોળકી ચોરી કરવાના ઇરાદે મંદિરે એકઠી થઈ હતી. તેઓ દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા ત્યારે તે રાત્રે ભારે પવન અને વરસાદ હોવાથી, પવનના કારણે દરવાજો જોરથી પછાડાયો હતો. આ અવાજ થતાં જ બાવજી પૂર્ણાનંદ સ્વામી જાગી ગયા હતા. પકડાઈ જવાના ડરે આરોપીઓએ બાવજી પર છરીઓ વડે ઉપરા-ઉપરી જીવલેણ હુમલો કરી તેમની નિર્મમ હત્યા કરી નાખી હતી અને ફરાર થઈ ગયા હતા.
આરોપીઓ કેવી રીતે પકડાયા?
ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠાના પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ આ કેસના ડીટેકશન માટે ખાસ SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરવામાં આવી હતી. ઇડર પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.એ. ચૌધરી અને ડી-સ્ટાફની ટીમ સતત આ કેસ પાછળ કાર્યરત હતી. દરમિયાન, પી.આઈ. આર.એ. ચૌધરી અને પીએસઆઈ વી.આર. ચૌહાણને બાતમી મળી હતી કે આ હત્યામાં વેજપુર (ભિલોડા)નો હિમેષ ઉર્ફે માર્ટીન પ્રકાશભાઈ અસારી સંડોવાયેલો છે. ટેકનિકલ સર્વેલન્સની મદદથી જાણવા મળ્યું કે હિમેષ હાલ શાપર વેરાવળ ખાતે રાજન કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. પોલીસે તાત્કાલિક શાપર ખાતેથી તેને ઝડપી પાડી યુક્તિ-પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી હતી અને સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો.
અન્ય એક મર્ડર કેસનો પણ ખુલાસો
પકડાયેલા મુખ્ય આરોપી હિમેષ ઉર્ફે માર્ટીન અસારીની પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે તે ભિલોડા ખાતે ગઈ તા. ૧૫/૦૬/૨૦૨૬ના રોજ થયેલ રાહુલ ધનજીભાઈ વાઘેલા (રહે. વાંસડોલ, ઇડર)ની હત્યાના ગુનામાં પણ સામેલ હતો અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
પકડાયેલા આરોપીઓની યાદી અને ગુનાહિત ઇતિહાસ:
૧. હીમેષ ઉર્ફે માર્ટીન પ્રકાશભાઇ અસારી (રહે. વેજપુર, ભિલોડા) – તેની સામે અગાઉ ભિલોડા પોલીસ સ્ટેશનમાં મારામારી અને મર્ડરના ગુના નોંધાયેલા છે. ૨. રોહિત જુજારજી વણઝારા (રહે. મુડેટી પાટીયા, ઇડર) – પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ છે. ૩. અંકુર કાંતીભાઇ પાંડવ (રહે. ઝુમસર છાપરા, ભિલોડા). ૪. રવિ ઉર્ફે જાની ભરતભાઇ વાઘેલા (રહે. ચિત્રોડા, ઇડર) – જાદર પો.સ્ટે.માં ચેપ્ટર કેસ થયેલ છે. ૫. જીતેન્દ્ર ઉર્ફે જેકી રામજીભાઇ અસોડા (રહે. સારણ મલાસા, ભિલોડા) – તેની સામે ભિલોડા અને ઇડર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે.
