સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના નાગરિકો માટે આધાર કાર્ડ સંબંધિત કામગીરીને લઈને એક મહત્વના અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. હિંમતનગર હેડ પોસ્ટ ઓફિસ અને મોડાસા મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે આવેલા આધાર કેન્દ્રો હવેથી દર રવિવારે પણ કાર્યરત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ટપાલ વિભાગના સાબરકાંઠા પોસ્ટલ ડિવિઝન દ્વારા નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે આ વિશેષ આયોજન કરાયું છે.
નોકરીયાત વર્ગને મોટી રાહત
સામાન્ય રીતે નોકરીયાત વર્ગ, વેપારીઓ અને વિદ્યાર્થીઓને અઠવાડિયાના ચાલુ દિવસોમાં વ્યસ્તતાના કારણે આધાર કાર્ડની કામગીરી માટે સમય કાઢવો મુશ્કેલ બનતો હોય છે. નાગરિકોની આ પ્રાયોગિક મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ટપાલ વિભાગ દ્વારા રવિવારના દિવસે પણ આધાર કેન્દ્રો ચાલુ રાખવાનો લોકઉપયોગી નિર્ણય લેવાયો છે.
આધાર કેન્દ્રનો નવો સમયપત્રક:
- સોમવારથી શુક્રવાર: સવારે ૦૮:૦૦ વાગ્યાથી રાત્રે ૦૮:૦૦ વાગ્યા સુધી
- રવિવારે: સવારે ૦૯:૦૦ વાગ્યાથી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી
કઈ-કઈ સેવાઓનો લાભ મળશે?
આધાર કેન્દ્ર પર નાગરિકો નીચે મુજબની તમામ જરૂરી સુધારા-વધારાની કામગીરી કરાવી શકશે:
- નવું આધાર કાર્ડ કઢાવવું (આધાર નોંધણી)
- નામ, સરનામું અને જન્મ તારીખમાં સુધારો
- મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી અપડેટ
- બાયોમેટ્રિક અપડેટ (ફોટો, ફિંગરપ્રિન્ટ અને આઈરિસ સ્કેન)
સાબરકાંઠા પોસ્ટલ ડિવિઝન દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, સમયના અભાવે અટકેલી આધાર કાર્ડની કામગીરીને સરળતાથી પૂર્ણ કરવા માટે રવિવારની આ વિશેષ સુવિધાનો વધુમાં વધુ નાગરિકો લાભ લે. આ અંગે વધુ માહિતી કે પૂછપરછ માટે નાગરિકોએ હિંમતનગર હેડ પોસ્ટ ઓફિસ અથવા મોડાસા મુખ્ય પોસ્ટ ઓફિસનો સીધો સંપર્ક સાધવાનો રહેશે.
