ઉનાળાની શરૂઆત થતાં જ બજારમાં રસદાર કેરીઓની ધૂમ આવક શરૂ થઈ ગઈ છે અને સામાન્ય માણસ પણ કેરીની મજા માણવા આતુર હોય છે. પરંતુ સાવધાન! જો તમે પણ કેરીના શોખીન હોવ તો આ સમાચાર તમારા માટે ચોંકાવનારા છે. બજારમાં વધુ નફો કમાવવા અને ગ્રાહકોની માંગને પહોંચી વળવા માટે કેટલાક વેપારીઓ દ્વારા કેરી પકવવાનો ખતરનાક ખેલ ખેલાઈ રહ્યો છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ‘મીઠું ઝેર’ સાબિત થઈ શકે છે.
કુદરતી પ્રક્રિયાને બદલે કેમિકલનો કાળો કારોબાર
સામાન્ય રીતે કેરીને ઝાડ પર અથવા ખુલ્લી હવામાં કુદરતી રીતે પાકતા ૫ થી ૭ દિવસનો સમય લાગે છે. પરંતુ, બજારમાં ઊંચા ભાવ મેળવવાની લાલચમાં વેપારીઓ શોર્ટકટ અપનાવી રહ્યા છે. હાલમાં બજારમાં કેરીને ઝડપથી પકવવા માટે કેલ્શિયમ કાર્બાઇડ નામના ઘાતક રસાયણનો સરેઆમ ઉપયોગ થઈ રહ્યો છે.
કેરીના બોક્સમાં આ કેમિકલ રાખવામાં આવે છે, જેમાંથી નીકળતો એસિટિલિન ગેસ કેરીને સમય કરતાં વહેલી પકવી દે છે અને તેનો રંગ આકર્ષક પીળો કરી નાખે છે. ખાદ્ય સુરક્ષા ધોરણો (FSSAI) મુજબ કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે, છતાં પણ આ કાળો કારોબાર ધમધમી રહ્યો છે.
શરીર માટે કેટલી ખતરનાક છે આ કેરી?
આવા ઘાતક રસાયણોથી પાકેલી કેરીઓ બહારથી ખૂબ જ પીળી અને આકર્ષક દેખાતી હોવાથી તેને ઓળખવી મુશ્કેલ બને છે. પરંતુ આવી કેરી ખાવાથી શરીરને ગંભીર નુકસાન થાય છે:
- ગળામાં અસહ્ય દુખાવો, ઝાડા-ઉલટી અને પેટમાં દુખાવો થઈ શકે છે.
- લાંબા ગાળે આ કેમિકલયુક્ત કેરી ખાવાથી કેન્સર જેવી જીવલેણ બીમારીનું જોખમ પણ રહેલું છે.
સાબરકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ઢીલી નીતિ સામે જનઆક્રોશ
આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે સાબરકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કથિત ‘લાલિયાવાડી’ અને ઢીલી નીતિ સામે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બજારમાં નિયમિત તપાસ અને કડક કાર્યવાહીના અભાવે આવા તત્વો બેફામ બન્યા છે.
લોકોકોની ઉગ્ર માંગ:
લોકોની માંગ છે કે સાબરકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તાત્કાલિક એક સત્તાવાર હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે. આ હેલ્પલાઇન નંબર તમામ ફૂડ વિક્રેતાઓ અને લારીઓ પર ફરજિયાતપણે લગાવવાનો આદેશ આપવામાં આવે, જેથી કોઈપણ સામાન્ય નાગરિક કેમિકલયુક્ત ખાદ્યપદાર્થો વેચતા તત્વો સામે સીધી ફરિયાદ નોંધાવી શકે અને આવા કાળા કારોબાર પર લગામ લગાવી શકાય.
