સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા ગ્રાહકો અને સમાજ વચ્ચે મજબૂત સેતુ બનાવવા માટે શરૂ કરાયેલી “માય બ્રાન્ચ… માય એમ્બેસેડર” યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાનું ગૌરવ વધારતી એક ઘટના સામે આવી છે. સાબરકાંઠા જિલ્લાના જાણીતા સામાજિક કાર્યકર, સાહિત્યકાર, લેખક અને કવિ જયેશચંદ્ર પરમારને એસ.બી.આઈ. ઈડર બ્રાન્ચના ‘એમ્બેસેડર’ બનાવાયા છે.
જયેશચંદ્ર પરમારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની લોકાભિમુખ કામગીરીને બિરદાવતું એક પ્રેરણાદાયી સૂત્ર આપ્યું છે: “એસ. બી. આઈ… જરુરીયાતમંદોકી… આઈ…!”
તેમની આ સામાજિક નિષ્ઠા અને બેંક પ્રત્યેના લગાવને માન આપતા ઈડર બ્રાન્ચ ખાતે એક વિશેષ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બેંકના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી.
બેંક સ્ટાફ દ્વારા ગૌરવપૂર્ણ સન્માન
એસ.બી.આઈ. ઈડર બ્રાન્ચના ઉત્સાહી અને કર્મઠ મેનેજર હર્ષદીપસિંહ રાવ, સર્વિસ મેનેજર ચિતરંજન મોહાપાત્ર, સિનિયર એસોસિએટ પિન્કલ અસારી તથા એસોસિએટ મીનલ લુલ્લા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં જયેશચંદ્રભાઈને “માય એમ્બેસેડર”નો ગૌરવાન્વિત મોમેન્ટો અર્પણ કરી ભાવભર્યું બહુમાન કરવામાં આવ્યું હતું.
એક સાહિત્યકાર અને સક્રિય સામાજિક કાર્યકરની બેંકના એમ્બેસેડર તરીકે વરણી થતાં સ્થાનિક ગ્રાહકો, સાહિત્ય જગત અને સાબરકાંઠા જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકોમાં ખુશી અને આનંદની લાગણી વ્યાપી ગઈ છે. ઉપસ્થિત સૌ કોઈએ જયેશચંદ્રભાઈને આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
