ઈડર શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું દૂષણ ચિંતાજનક હદે વધી ગયું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, ઈડર નગરપાલિકા કચેરીથી માત્ર ૧૦૦ મીટરના અંતરે જ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, છતાં તંત્ર અજાણ હોય તેમ આંખ આડા કાન કરી રહ્યું છે. પાલિકાની નાકની નીચે જ થતા આ વેપારને કારણે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
ગટરો જામ અને પશુઓના મોતના મુખમાં
શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર-ઠેર કચરાના ગંજ ખડકાયેલા જોવા મળે છે, જેમાં સિંહફાળો પ્લાસ્ટિકની થેલીઓ, પાણીની બોટલો અને પ્લાસ્ટિકની અન્ય ચીજવસ્તુઓનો છે.
- ગટરની સમસ્યા: આ પ્લાસ્ટિકનો કચરો ગંદા પાણી સાથે વહીને ગટરોમાં ફસાઈ જાય છે, જેના કારણે ગટરો જામ થઈને માર્ગો પર ઉભરાઈ રહી છે.
- મૂંગા પશુઓનો ભોગ: રસ્તા પર રખડતા નિર્દોષ પશુઓ કચરાની શોધમાં આ પ્લાસ્ટિક પણ આરોગી જાય છે, જે તેમના પેટમાં જતાં આંતરડા જામ થઈ જાય છે અને અનેક પશુઓ કમકમાટીભર્યા મોતને ભેટે છે.
વેપારીઓ અને જનતાની પણ નૈતિક ફરજ
પ્લાસ્ટિકના આ રાક્ષસને નાથવા માટે માત્ર તંત્ર પર નિર્ભર રહેવું પૂરતું નથી. શહેરના લારી-ગલ્લા ધારકો, શાકભાજી અને ફ્રૂટના વેપારીઓએ પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ સદંતર બંધ કરી પર્યાવરણને બચાવવું પડશે. સાથે જ જનતાએ પણ જાગૃત બનીને પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો બહિષ્કાર કરી, ઘરની બહાર નીકળતી વખતે કાપડની થેલીનો વપરાશ કરવાની ટેવ પાડવી પડશે.
જો ઈડર નગરપાલિકા તંત્ર દ્વારા પોતાની કચેરીની આસપાસ તેમજ મુખ્ય બજારોમાં ઓચિંતું (સરપ્રાઇઝ ચેકિંગ) હાથ ધરવામાં આવે અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા કે સંગ્રહ કરતા મોટા વેપારીઓ સામે આકરી દંડનીય કાર્યવાહી કરવામાં આવે, તો જ આ દૂષણ અટકે તેમ છે. હવે જોવાનું એ રહે છે કે નગરપાલિકા પોતાની નાકની નીચે ચાલતા આ વેપાર પર ક્યારે બ્રેક લગાવે છે!

