ઐતિહાસિક અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા પ્રખ્યાત ઈડર ગઢની તળેટીમાંથી એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોએ સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ અને આરોગ્ય વિભાગની કામગીરીની પોલ ખોલી નાખી છે. તેની તળેટીમાં દારૂની ખાલી બોટલો અને જોખમી મેડિકલ વેસ્ટનો મોટો જથ્થો ખુલ્લામાં પડેલો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં દારૂબંધીની મોટી-મોટી વાતો વચ્ચે ઈડર ગઢની તળેટીમાં ખુલ્લેઆમ પડેલી દારૂની બોટલો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરે છે. આ દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેમ પોકળ સાબિત થઈ રહી છે.
ચિંતાજનક બાબત એ છે કે દારૂની બોટલોની સાથે-સાથે ત્યાં મોટા પ્રમાણમાં જોખમી મેડિકલ વેસ્ટ પણ ઠાલવવામાં આવ્યો છે. ગઢની આસપાસ રમતા માસૂમ બાળકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે.
“એક તરફ સરકાર પર્યટનને પ્રોત્સાહન આપવાની વાતો કરે છે અને બીજી તરફ પવિત્ર અને ઐતિહાસિક ઈડર પહાડને પ્રદૂષિત કરવામાં આવી રહ્યો છે. ખાખી તંત્ર અને આરોગ્ય વિભાગ બંને કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યા છે.”
સ્થાનિકોની મુખ્ય માંગણીઓ અને ઉઠતા સવાલો:
તાત્કાલિક સફાઈ: જોખમી મેડિકલ વેસ્ટ અને કાચની બોટલોથી કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે જવાબદાર તંત્ર દ્વારા આ જગ્યાની તાત્કાલિક સફાઈ કરાવવામાં આવે.
જવાબદારી નક્કી થાય: હોસ્પિટલનો બાયો-મેડિકલ વેસ્ટ ખુલ્લામાં ફેંકનાર હોસ્પિટલ કે ડોક્ટર કોણ છે? અને પોલીસની નાક નીચે આટલો દારૂ ક્યાંથી આવ્યો? તેની તટસ્થ તપાસ થવી જોઈએ.
હવે જોવાનું એ રહેશે કે આ વાયરલ વીડિયો અને સ્થાનિકોના ભારે આક્રોશ પછી જાગૃત થઈને પોલીસ અને આરોગ્ય વિભાગ કોઈ નક્કર પગલાં લે છે કે પછી મામલા પર ઠંડુ પાણી રેડી દેવામાં આવે છે.
