સાબરકાંઠા જિલ્લાની પ્રતિષ્ઠિત ઇડર નાગરિક સહકારી બેંકના ૧૩ ડિરેક્ટરોની બેઠકો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. ચૂંટણી પ્રક્રિયા અને મોડી રાત્રે હાથ ધરાયેલી મતગણતરી બાદ કેટલાક ઉમેદવારોએ ચૂંટણી અધિકારી તેમજ સ્ટાફની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવી ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે.
બોગસ મતદાન અને EVM ખરાબીના આક્ષેપો ચૂંટણી પૂર્ણ થતાં જ ઉમેદવારો દ્વારા બોગસ મતદાન થયું હોવાના અને ઇવીએમ (EVM) મશીનોમાં ટેકનિકલ ખરાબી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ગેરરીતિઓના દાવા સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા રદ કરવાની માંગણી પણ કરવામાં આવી છે. વિવાદને ધ્યાને રાખી તંત્ર દ્વારા આગામી ૨૬ ઓગસ્ટના રોજ એક બૂથ પર ફરીથી મતદાન યોજવાનો નિર્ણય લેવાયો છે.
આશરે ૪૦% જેટલું નોંધાયું મતદાન ઇડર નાગરિક સહકારી બેંકની આ ચૂંટણીમાં કુલ ૧૬ હજાર જેટલા નોંધાયેલા સભાસદો માટે ૨૩ મતદાન મથકો (બૂથ) ઊભા કરવામાં આવ્યા હતા. જેમાંથી ૬,૫૨૬ સભાસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેના પગલે સરેરાશ ૪૦% જેટલું મતદાન નોંધાયું હતું.
હાલ એક બૂથ પર ૨૬ ઓગસ્ટે યોજાનારા પુનઃ મતદાન તરફ સહકારી ક્ષેત્રના આગેવાનો અને મતદારોની નજર મંડાયેલી છે.

