પોલીસની કાર્યવાહીમાં ૯૬૭ છોડ અને ૩૪૫ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો; રૂ. ૧.૭૨ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
સાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં પોલીસે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી કોટડા ગઢી ગામે કપાસના ખેતરમાંથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ગાંજાના કુલ ૯૬૭ છોડ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, ખેતરમાંથી આશરે ૩૪૫ કિલોગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે ગાંજાના છોડ સહિત રૂ. ૧ કરોડ ૭૨ લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જણાવાયું છે.
બાતમીના આધારે પોલીસ ટીમે ખેતરમાં દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન એક આરોપીની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર હોવાનું સામે આવતા પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.
આ મામલે ખેરોજ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે અને ગાંજાના વાવેતર તથા તેના વ્યવહારમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
‘ડ્રગ્સ મુક્ત સાબરકાંઠા’ મિશન અંતર્ગત હાથ ધરાયેલી આ કાર્યવાહીને પગલે પંથકમાં ગેરકાયદે નશીલા પદાર્થોના વાવેતર અને હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી વધુ કડક બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
