માણસા, ૨ ઓક્ટોબર ૨૦૨૬
આજરોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે માણસા નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા અને GVP (Garbage Vulnerable Point – ખુલ્લામાં કચરો નાખવાના સ્થળો) નાબૂદ કરવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો.
નગરપાલિકાના કર્મચારીઓએ મહાત્મા ગાંધીજીની વેશભૂષા ધારણ કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. આ અંતર્ગત કર્મચારીઓએ શહેરના રેસિડેન્શિયલ (રહેણાંક), કોમર્શિયલ (વ્યાપારી) વિસ્તારો તેમજ જાહેર માર્ગો પર ફરીને ત્યાંથી પસાર થતા નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેઓએ લોકોને રસ્તા પર કે ખુલ્લામાં કચરો ન ફેંકવા અને કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવા માટે પ્રેમપૂર્વક સમજ આપી હતી.
આ અભિયાનનો મુખ્ય હેતુ શહેરમાં ગંદકી અટકાવવાનો અને જીવીપી (GVP) પોઈન્ટ્સ કાયમી ધોરણે નાબૂદ થાય તે સુનિશ્ચિત કરવાનો હતો. બાપુના ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના વિચારને તેમના જ વેશમાં લોકો સુધી પહોંચાડવાના નગરપાલિકાના આ પ્રયાસે ભારે આકર્ષણ જમાવ્યું હતું. શહેરીજનોએ પણ આ નવતર પ્રયોગને આવકારીને શહેરને સ્વચ્છ રાખવામાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.

