મળતી માહિતી મુજબ, ખેડબ્રહ્મા શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. શહેરની પૂર્વ દિશામાં આવેલા વીરબાવજી મંદિર તરફ જવાના રસ્તા પર એક ખેતરમાં યુવક-યુવતીએ લીમડાના વૃક્ષ સાથે ગળે ટૂંપો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. ખેતરમાંથી બંનેના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત જ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. આપઘાત કરનાર યુવક અને યુવતી બંને ખેડબ્રહ્મા પંથકના જ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ખેડબ્રહ્મા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે બંને મૃતકોના શવને વૃક્ષ પરથી નીચે ઉતારી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. યુવાન અને યુવતીએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું છે, તેની પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. ખેડબ્રહ્મા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
