શહેરના એક યુવકનું અકસ્માતે ગરમ પાણીની ટાંકીમાં પડી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. આ દુઃખદ ઘટના બાદ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા પીડિત પરિવારને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, ઈડર શહેરના રહેવાસી વિરલકુમાર પરષોત્તમભાઈ વણકરનું ગરમ પાણીની ટાંકીમાં પડી જવાને કારણે અવસાન થયું હતું. તેઓ એસબીઆઈના ખાતેદાર હતા અને તેમણે એસબીઆઈ જનરલ ઈન્શ્યોરન્સની પર્સનલ એક્સિડન્ટ વીમા યોજના લીધેલી હતી.
વિરલકુમારના આકસ્મિક અવસાન બાદ, તેમના પરિવારને આર્થિક ટેકો આપવાના ભાગરૂપે વીમાની રકમ મંજૂર કરવામાં આવી હતી. તેમના પરિવારજન અને વિનતલબેન વણકરને સહાયરૂપે ₹૧૦ લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે એસબીઆઈના મેનેજર હર્ષદીપસિંહ તખતસિંહ રાવ, એસબીઆઈ જનરલ ઈન્શ્યોરન્સના ઈડર તાલુકાના બિઝનેસ મેનેજર અયાન મકરાણી, એરિયા મેનેજર સંજય પરમાર તથા બ્રાન્ચના અન્ય સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી ચેક આપવામાં આવ્યો હતો.
