એક તરફ સરકાર દ્વારા ‘વીજળી બચાવો’ ના વ્યાપક અભિયાનો ચલાવવામાં આવે છે અને સામાન્ય નાગરિકોને વીજ બચત માટે અપીલ કરવામાં આવે છે, તો બીજી તરફ સરકારી કચેરીઓમાં જ જવાબદાર અધિકારીઓ દ્વારા વીજળીનો ખુલ્લેઆમ વેડફાટ કરવામાં આવતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઈડર તાલુકા પંચાયતમાં આવેલી તાલુકા શિક્ષણ અધિકારીની કચેરીમાં કામકાજના કલાકો દરમિયાન ઓફિસ સાવ ખાલી હોવા છતાં લાઇટ અને પંખા ધમધમાટ ચાલુ જોવા મળ્યા હતા.
મંજૂરી વિના AC લગાવવાનો અગાઉનો વિવાદ: કચેરીમાં અધિકારીની મનમાનીનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, થોડા સમય પહેલા આ જ અધિકારી દ્વારા પોતાની ઓફિસમાં તાલુકા વિકાસ અધિકારી (TDO) કે સંબંધિત વિભાગની પૂર્વ મંજૂરી લીધા વિના જ બારોબાર એર કન્ડિશનર (AC) પણ લગાવી દેવામાં આવ્યું હતું. જોકે, જાગૃત નાગરિક દ્વારા આ નિયમભંગ અંગે પૂછપરછ કરવામાં આવતા અને ભાંડો ફૂટતા તાત્કાલિક ધોરણે એસી કાઢી નાખવાની ફરજ પડી હતી.
નિયમો નેવે મૂકતા અધિકારી: સરકારી કચેરીઓમાં કોઈપણ નવી સુવિધા ઉભી કરવા કે વીજળીના ઉપયોગ માટે ચોક્કસ નિયમો હોય છે. પરંતુ આ અધિકારીના વર્તન પરથી એવું ફલિત થઈ રહ્યું છે કે તેમને સરકારની ‘વીજળી બચાવો’ ઝુંબેશ સાથે કોઈ નિસ્બત નથી, તેમજ ઉપલા અધિકારીઓની મંજૂરી લેવાની પણ કોઈ જરૂર જણાતી નથી.
જવાબદાર અધિકારીની આવી ઘોર બેદરકારી અને નિયમોના ઉલાળિયા સમાન વર્તન સામે ઉચ્ચ કક્ષાએથી કોઈ નક્કર પગલાં લેવામાં આવશે કે કેમ, તે ચર્ચાનો વિષય બન્યો છે.
