ચામુંડાનગર સહિતના વિસ્તારોમાં ૨૦થી વધુ બાળકોમાં હિપેટાઈટીસના મામલા બાદ પાણીની ગુણવત્તાને લઈને ચિંતા
બડોલી: બડોલીના ચામુંડાનગર વિસ્તારમાં ૨૦થી વધુ બાળકોમાં હિપેટાઈટીસના મામલા સામે આવ્યા બાદ ગામની પાણી પુરવઠા વ્યવસ્થાને લઈને ચર્ચા તેજ બની છે. આ પરિસ્થિતિ વચ્ચે બડોલી સરપંચે ગામની જૂની પાણીની ટાંકીઓ અંગેની સ્થિતિ અને અગાઉ કરવામાં આવેલી રજૂઆતો અંગે માહિતી આપી છે.
સરપંચના જણાવ્યા મુજબ, ગામમાં પાણીના સંગ્રહ અને વિતરણ માટે કુલ ચારથી પાંચ ટાંકીઓ આવેલી છે. મણકલવાસ, ગામની મધ્યમાં તેમજ ચામુંડાનગર વિસ્તારમાં આવેલી ત્રણ ઓવરહેડ ટાંકીઓ આશરે ૪૦થી ૪૫ વર્ષ જૂની હોવાનું જણાવાયું છે. સરપંચના દાવા મુજબ, આ ટાંકીઓની છેલ્લા આશરે ૧૫ વર્ષથી સફાઈ કરવામાં આવી નથી.
સરપંચે વધુમાં જણાવ્યું કે, ટાંકીઓ જૂની હોવાની સાથે તેમાં ચઢવા માટે યોગ્ય સીડી કે અન્ય સુરક્ષિત વ્યવસ્થા પણ ઉપલબ્ધ નથી. જેના કારણે સફાઈ કામગીરી કરવી મુશ્કેલ અને જોખમી બને છે. ટાંકીઓના પુનઃનિર્માણ તથા સુરક્ષા માટે પ્રોટેક્શન ગ્રીલ લગાવવા અંગે ગ્રામજનો દ્વારા ‘જલ ભવન’માં દરખાસ્તો મોકલવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.
આ અંગે છેલ્લા એક વર્ષથી સંબંધિત વિભાગ સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ સ્પષ્ટ જવાબ કે કાર્યવાહી મળી ન હોવાનું સરપંચનું કહેવું છે. ગામના લોકોની સમસ્યાના ઉકેલ માટે લોકફાળા મારફતે આશરે રૂ. ૭થી ૮ લાખ એકત્ર કરી બેંકમાં રકમ તૈયાર રાખવામાં આવી હોવા છતાં કામ આગળ ન વધ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
હાલમાં ગામમાં કૂવા અને બોર મારફતે પાણીનો પુરવઠો કરવામાં આવે છે અને ત્યાં નિયમિત સફાઈ તથા દવા નાખવાની કામગીરી થતી હોવાનું સરપંચે જણાવ્યું છે. જોકે, વિવિધ વિસ્તારોમાં પાણી પહોંચાડતી જૂની ઓવરહેડ ટાંકીઓ મુખ્ય ચિંતાનો વિષય હોવાનું જણાવાયું છે. સરપંચના જણાવ્યા મુજબ, હાલમાં લાડાબાઉજી વિસ્તારમાં આવેલી એક ટાંકી સ્વચ્છ અને સુરક્ષિત સ્થિતિમાં છે.
