દારૂની હેરાફેરી કરતી ગેંગનો પર્દાફાશ; પાયલોટિંગ કરતી કાર સહિત કુલ ૧૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, ૫ આરોપીઓની ધરપકડ.
સાબરકાંઠા LCB દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરીને રાજસ્થાનથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘૂસાડવામાં આવતા વિદેશી દારૂના મોટા જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ ઓપરેશન દરમિયાન દારૂની હેરાફેરી કરતી એક ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં કુલ રૂપિયા ૧૪ લાખ ૧૯ હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બુટલેગરો દ્વારા દારૂની સુરક્ષિત હેરાફેરી માટે ખાસ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી રહી હતી. દારૂ ભરેલી બે સ્વિફ્ટ કારની આગળ એક ઈકો કાર દ્વારા પાયલોટિંગ કરવામાં આવતું હતું, જેથી પોલીસ ચેકિંગથી બચી શકાય. જોકે, LCBની સતર્કતાને પગલે પાયલોટિંગ કરતી ઈકો કાર સહિત ત્રણેય વાહનોને આંતરી લેવામાં આવ્યા હતા અને તેમાંથી ૫૦ પેટી જેટલો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી કુલ ૫ આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા શખ્સોમાં રાજસ્થાનના ઉદયપુર અને ગુજરાતના અરવલ્લી જિલ્લાના ઈસમોનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓની ઓળખ નરસીંહભાઈ અર્વીંદભાઈ નીનામા (રહે. દેમત, ઉદયપુર), જીગ્નેશભાઈ મહેન્દ્રભાઈ ડામોર (રહે. વસાયા, અરવલ્લી), જીતેન્દ્રભાઈ દરજીભાઈ ડામોર (રહે. બાબરી બતાઈ, ઉદયપુર), જગદીશભાઈ દિનેશભાઈ ડામોર (રહે. બાબરી બતાઈ, ઉદયપુર) અને દિનેશ પન્નાલાલ ડામોર (રહે. બાબરી બતાઈ, ઉદયપુર) તરીકે થઈ છે.
આ સમગ્ર મામલે ગાંભોઈ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સહિત અન્ય ૫ શખ્સોની સંડોવણી સામે આવી છે. હાલમાં આ પાંચેય આરોપીઓ ફરાર છે, જેમને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની સઘન શોધખોળ હાથ ધરી છે.
