ગ્રામ્ય પેયજળ યોજનાઓમાં જનભાગીદારી વધે, ગ્રામજનોમાં સ્વ-માલિકીપણું વિકસે અને સ્થાનિક સંસ્થાઓ વધુ સશક્ત બને તેવા ઉમદા હેતુથી સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ટીંબાકંપા ગામે “જલ અર્પણ દિવસ” ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ગામમાં જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. સૂત્રોચ્ચાર દ્વારા બાળકોએ પીવાના પાણીનું મહત્વ અને તેના બચાવ અંગેનો સંદેશ ઘરે-ઘરે પહોંચાડ્યો હતો. ત્યારબાદ, ઉપસ્થિત તમામ ગ્રામજનોએ પાણી વ્યવસ્થાપન, યોજનાની જાળવણી અને પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ માટે સામૂહિક શપથ લીધા હતા.
આ અવસરે ટીંબાકંપા ગ્રામ પંચાયત અને પાણી સમિતિના સભ્યોને મહાનુભાવોના હસ્તે ‘જળ કળશ’ તથા ‘અભિનંદન પત્ર’ એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે યોજનાની મરામત અને નિભાવણી માટેની SOP (Standard Operating Procedure) પણ સોંપવામાં આવી હતી. ગામના પાણી ઓપરેટરને તેમની પ્રશંસનીય કામગીરી બદલ વિશેષ સન્માનિત કરાયા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોને પાણીનો કરકસરપૂર્વક અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવા, વરસાદી પાણીના સંગ્રહ (Rainwater Harvesting) દ્વારા જળસ્તર ઉંચા લાવવા, લોકભાગીદારી દ્વારા જ પેયજળ યોજનાઓનું લાંબા ગાળાનું અને સુચારૂ સંચાલન થાય તેમજ આ કાર્યક્રમ દ્વારા ગામમાં પાણીના પ્રશ્નો પ્રત્યે જાગૃતિ અને સહકારની ભાવના વધુ પ્રબળ બને તે માટે જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા કો-ઓર્ડિનેટર વાસ્મો (WASMO) ટીમ, ગામના સરપંચશ્રી, પાણી સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
